બાળપણ બચાવો

બાળપણ કોને યાદ નથી રહેતું, હું કે તમે દરેક વ્યક્તિ જ્યારે મિત્રો કે સ્નેહીજનો પાસે બેઠા હોઈએ ત્યારે બાળપણની વાત માત્રથી જ ચહેરો કેવો ખિલી ઉઠે છે. પણ થોડું વિચાર્યું છે કે તમારા બાળકો તેમનું બાળપણ કેવી રીતે વાગોળશે? આ પ્રશ્ન પર કોઈ દિવસ વિચાર કર્યો છે…અરે દિવસ તો દૂરની વાત છે એક ક્ષણ માત્ર પણ વિચાર કર્યો છે?…

બાળક જ્યારે ગર્ભ માં હોય ત્યારથીજ તેને કઈ ઈગ્લિશ મીડીયમ સ્કૂલમાં મુકીશું તેની જ ચર્ચા કરવા લાગીયે છીયે, જાણે કે આપણે સ્કૂલને ડોનેટ કરવા માટે જ દીકરો કે દીકરી ને જણતા ન હોઈયે. અરે! તમે થોડું વિચારો તો ખરા કે બાળક તમારું ને તેને રમાડી જાય કોઈક બીજા? જેમ મોટા ગુનેગારોને કારા પાણીની સજા કરવામાં આવે છે તેમ તમે પણ બાળક ને બાળપણ માં સ્કૂલમાં મોકલી બાળકે આ દુનિયામાં જન્મ લેવાનો મોટો અપરાધ કર્યો હોય તેવુ વર્તન કરો છો, આ કારણે જ કદાચ બાળક આ દુનિયા માં જન્મ લેતા ગભરાતો હશે ને તેથી જ ઑપરેશન કરીને જ બાળકનો જન્મ કરાવવો પડે છે.

સ્કૂલ માં એક પ્રયોગ આવતો હતો કદાચ તમને ખ્યાલ હશે કે કોઈ લીલા છોડને બંધ પેટીમાં રાખવામાં આવે તો તેનો વિકાસ થતો નથી પણ અટકી જાય છે. અને એક ખાસ વાત તો રહીજ ગઈ કે આજની મમ્મી અરે! ભુલથી કહેવાઈ ગયું ‘મમ્મી’ નહી ‘મોમ’ (મમ્મી કે માં જેવા શબ્દો આજની નારી ને શોભે નહીં) બાળકને સ્કૂલ માં મોકલતા પહેલાતો તેને મારી મારી ને પોપટીયો બનાવીજ દીધો હોય અને બધાને કહેતી ફરે ‘ હજુ સ્કૂલમાં ય નથી મુક્યોને એબીસીડી કરકરાટ બોલે છે ને બધા પ્રાણીયો ના નામ અંગ્રેજી મા બોલે છે.’ અરે! તે એ નથી જાણતા કે તેમને બાળકનું બાળપણ છીનવીને એબીસીડી શિખવી છે. આ બધું હું હવામાંજ નથી કહેતો,

આ વિશે મારો એક અનુભવ કહું છું — હું ટીચર છું. મલેશિયન કંપની દ્રારા ચાલતો મગજનો સર્વાગી વિકાસ કરતો કોર્ષ UCMAS ચલાવું છું. UCMAS ના ગણા ફાયદા માં એક ફાયદો છે કે બાળક ની કેલ્ક્યુલેશન ની સ્પીડમાં વધારો થાય છે.—
એક દિવસ આસૂ (નામ બદલેલ છે)અને તેની મમ્મી સીમાબેન(નામ બદલેલ છે) ઑફીસ પર આવ્યા, મે તેમને બેસવાનુ કહ્યું પણ બેસવાનુ તો બાજુમાં રહ્યું સીમાબેન મારા પર તૂટી પડ્યા- “ સર તમે તો કહેતા હતા કે દરેક બાળકનું મગજ ડેવલોપ થાય છે અને આસૂની કેલ્ક્યુલેશન ની સ્પીડમાં વધારો થયો છે પરંતુ તેને તો કંઈજ નથી આવડતું,કાલે મહેમાનો આગળ મારુ નાક કપાવી નાખ્યું ” સીમાબેન એકી શ્વાસે બોલી ગયા. હું સાંભળતો જ રહી ગયો મે કહ્યુ તેવું ના બને અને હું આસૂ ને ભણાવુ છું મને તે તો ખ્યાલછે જ કે આસૂ મેન્ટલી 1 & 2 Digit 20 Rows કરે છે ને મલ્ટીફિકેશન તો ચપટી વગાડતાજ આન્સર આપી દે છે. સીમાબેન સાથે થોડી વાર વાતચીત કરી, તેમને કહ્યુ કે જો નહી આવડતું હોય તો હું ફરીથી શિખવી દઈશ, આસૂ તો એટલો ડરી ગયો હતો કે તેનુ શરીર ધ્રુજવા લાગ્યુ હતું, તેની મમ્મી ગયા પછી મે આસૂ સાથે બીજી ગણી બધી વાતો કરી ને તે થોડો હરવો થયા પછી મે તેને થોડા સમ્સ(દાખલા) પૂછ્યા બધા સમ્સના આન્સર સાચાજ પડતા હતા. હું વિચાર કરવા લાગ્યો તેની મમ્મી તો કહેતી હતી કે તેને તો કંઈજ નથી આવડતું, મે આસૂ ને વાતવાત માં પૂછ્યુ – “ બેટા કાલે કેમ આન્સર ખોટા પડતા હતા ”
તે થોડો ખચકાયો પણ ધીરેથી બોલ્યો – “ સર મમ્મી મને રમવાજ નથી દેતી ”
મે ફરીથી કહ્યુ “ પણ બેટા, આન્સર કેમ ખોટા પડતા હતા.”
તે મારી સામે જોઈને બોલ્યો “ મમ્મી એ કાલે ત્રણ ચાર વાર રમતા રમતા બોલાવ્યો હતો.”
મે પૂછ્યુ “ કેમ ”
તેને કહ્યું “ મારા ઘરની બાજુ માં લગ્ન હતા તો જેટલી વાર મહેમાન ઘરે આવે કે તરતજ મમ્મી મને બોલાવી લેતી ને મહેમાન ની આગળ સમ્સ પૂછવા બેસી જતી ”
હું અવાક રહી ગયો, મને ખૂબજ આગાત લાગ્યો કે અરે! માતા-પિતા પોતાની પ્રતિષ્ટા વધારવા બાળકનું બાળપણ છીનવે શકે છે. તે કોઈ રોબટ છે કે જે આવે તેની આગર ઉભુ કરી દેવાનું પ્રતિષ્ટા વધારવા માટે. હું સમજી ગયો કે આસૂ ના આન્સર કેમ ખોટા પડતા હતા?…

નવરાત્રિ

              

રાત્રિ વિશે

 

આજથી જગત જનની મા જગદંબાનુ પવિત્ર આરાધ્ય પર્વ નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છેતે અંતર્ગત  બે શબ્દો…

         નવરાતત્રિ એટલે ગુજરાતની અસ્મિતાની ઓળખ. આ ઉત્સવમાં ગુજરાત ના લોકો પોતાના ગામ-શહેરમાં શેરી-મહોલ્લામાં બાળકો અને યુવાનો ઢોલના ઢબકારે અને તાલીયોના તાલે ઝુમવા ઉમટી પડે છે. યુવાનો નવ રાત્રિ સુધી એક બીજા સાથે ગરબાના તાલે હાથથી હાથ મિલાવીને આનંદ કિલ્લોલ કરતા નજરે પડે છે, પરંતુ મોટાભાગે યુવાની ના જોસમાં જાણે અજાણે એક બીજાના પ્રેમ માં પડી જાય છે અને એવી ભુલો કરી બેસે છે કે જેનો ભોગ અંતે યુવતીઓને સહન કરવો પડે છે.

        નવ દિવસ સુધી યુવતીઓ એક બીજાથી ચડીયાતી દેખાવવાની લહાયમાં આકર્ષક કપડા અને મેકઅપ કરે છે અને તેટલુ પુરતું છે કોઈપણ યુવકનું મન મોહવા માટે. માતા-પિતા તો બિચારા એવુ માનીને બેસે છે કે પોતાના સંતાનો ગરબે રમવા ગયા છે,પરંતુ હકીકત કંઈક જુદી જ છે. જે દિકરા-દિકરી ને ગરબાના મંડપ માં હોવું જોઈતું હતું તે ગાર્ડનોના ઘોર અંધારામાં પોતાના પ્રેમીઓના મુખમાં મુખ નાખીને પ્રેમના રાસ રમતા નજરે ચડે છે. કામુકતાના આવેશમાં ભાન ભુલીને અંતે બન્ને એ ક્રુત્ય કરી બેસે છે જેની સમાજ લગ્ન પહેલા મંજૂરી આપતો નથી. આપ સૌને આ વાતની ખબર હશે કે ન્યુઝ પેપરોમાં વાચ્યું હશે  કે નવરાત્રી પછી યુવતીઓમાં ગર્ભપાતના કેસો વધુ જોવા મળે છે.

        પોલીસ નવરાત્રિની નવ રાતો ફરે છે ખરી પરંતુ એવું પણ બહાર આવ્યું છે કે અમુક પોલીસ અધિકારીઓ થોડા પૈસા ખાતર પોતાની ફરજ બજાવતા નથી. સરકારે એવો નિયમ બનાવ્યો છે કે રાત્રિ ના બાર વાગ્યા બાદ નવરાત્રિઓના તમામ આયોજનો બંધ કરી દેવા. મોટાભાગના આયોજકો તે નિયમ અનુસરે છે. તેમ છતાં પણ ખેલૈયાઓ વહેલી સવારે ઘરે પહોચે છે. માતા-પિતા પણ ક્યારેક એ પુછવાની દરકાર લેતા નથી કે રાત્રિના બાર વાગ્યા બાદ તેઓ ક્યાં હતાં?

        અંતમાં એટલું  જ કે નવરાત્રિ એટલે માં શક્તિની આરાધના – ભક્તિ નો ઉત્સવ ભોગ વિલાશ નો નહીં. જો આપ પણ કોઈના માતા-પિતા હોય તો સમય પહેલા સાવધાન થઈ જાવ. ક્યાંક તમારા બાળકો પણ જુવાનીના જોશમાં કોઈ એવું ક્રુત્ય ન કરી બેસે જેના કારને અંતે તમારે સમાજની ટીકાનો ભોગ બનવું પડે…

 

નવરાત્રી પર્વ ની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ…

માં શક્તિ આપ સર્વેને મનોકામના પૂર્ણ કરવાનું બળ અર્પે એ જ પ્રાર્થના…

તમારા વિચારો…

તમારી વાણી એ તમારા વિચારોનો પડઘો છે.

તમારું કાર્ય એ તમારા વિચારોનો અભિનય છે.

તમારુ હાસ્ય એ તમારા વિચારોની પ્રતિભા છે.

તમારો ક્રોધ એ તમારા વિચારોની જ્વાળા છે.

તમારી નમ્રતા એ તમારા વિચારોની શોભા છે.

તમારી શાંતિ એ તમારા વિચારોનો વિરામ છે.

તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.

તમારી આંખો એ તમારા વિચારોની સીમા છે.

તમારો ભય એ તમારા વિચારોની કપારી છે.

તમારી દયા એ તમારા વિચારોનું રહસ્ય છે.

તમારા વિચારો એ જ તમે પોતે છો.

આપણે કેટલા લોકપ્રિય છીયે?

માણસ ગમે તેટલો પૈસાદાર હોય, ગમે તેટલો બુધ્ધિશાળી કે ભાવનાશાળી હોય પણ એથી જનસમાજમાં હરહંમેશ તે લોકપ્રિય બની શકે તેવું નથી.

માનવી કેટલું જીવે છે તેના કરતાં કેવું જીવે છે?

બીજાને કેટલો ઉપયોગી થાય છે?

સંબંધોમાં કેટલી મીઠાશ જાળવે છે?

વ્યવહારોમાં કેટલો ચોક્કસ છે?

જીવનમાં નિત દુ:ખના રોદણાં જ રોવે છે કે હસતે મુખે મુશ્કેલીઓનો સામનો કરે છે?

આ પણ તેટલુંજ જરુરી છે સૌ સાથેના સંબંધોમાં સરળ અને નિખાલસ રહેનાર માનવી સૌનો પ્રીતિપાત્ર બને છે. લોકજીવન પર એના વ્યક્તિત્વનો, પ્રતિભાવનો, આકર્ષણનો જાદું ઉભો કરે છે.

વ્યક્તિના વિકાસના ધડતરનું કામ રાતોરાત નથી થતું ઘર, કુટુંબ રહેણીકરણી, મિત્રવર્તુળ એ બધા દ્રારા દ્વ્રારા માનવી નીત નવું શીખે છે અને જાણ્યે અજાણ્યે એને પોતાના આચરણમાં મુકે છે. આ બધાનો પ્રભાવ માનવજીવન પર ઘણો મોટો રહે છે. પરિણામે એક જ માના બે દિકરા હોય પણ એક વિદેશ ગયો હોય તોય નથી વિસરતો ને બીજો પાસે હોય તોય મા-બાપ નથી પોસાતા એવું પણ બને છે.

કોઈપણ જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ  સૌ પ્રથમ એવો વિચાર કરશે કે હું જે કઈ કરું છું એનો પડઘો શો પડશે! માનવી જાગ્રત રહીને પોતાનાં કાર્ય, વાણી, વર્તન અને ચારિત્ર્ય અંગે થોડુંક પણ ચિંતન કરતો થાય તો લોકપ્રિય થવાનો માર્ગ એને જલ્દી મળી જાય છે. બસ હસતા મુખે લોકોને મદદરૂપ થાવા, એને દુ:ખની પળોમાં આશ્વાસનના બે શબ્દો કહી એનું દુ:ખ હળવું કરો. તમારા પર અપકાર કરનારનુ ય પ્રસંગ આવ્યે કામ કરી છૂટો તો લોકપ્રિયતા તમને શોધતી શોધતી તમારા ઘર આંગણા સુધી આવી પહોંચશે.